સરદાર વલ્લભભાઇ પટેલ

અમદાવાદમાં સરદાર વલ્લભભાઇ પટેલની સ્મૃતિમાં સરદાર મેમોરીયલ બનાવેલું છે. એક વૃધ્ધ સ્ત્રી આ મેમોરીયલની મુલાકાતે રોજ આવતી હતી. મેમોરીયલમાં આવવું એ એનો નિત્યક્રમ હતો. સવારે એક ઓટોરિક્ષામાં બેસીને આવે. થોડો સમય મેમોરીયલમાં રોકાય અને બીજી રીક્ષામાં બેસીને જતા રહે.sardar vallabhbhai patel

એકદિવસ એ વૃધ્ધા સરદાર મેમોરીયલમાંથી બહાર નીકળી. રોજ રીક્ષામાં બેસીને ઘેર જતી એ વૃધ્ધા આજે ચાલવા લાગી. એક રીક્ષાવાળાએ આ વાતની નોંધ લીધી કે આ માજી રોજ રીક્ષામાં જાય છે આજે કેમ ચાલતા ચાલતા જાય છે. એ રિક્ષા લઇને પેલા માજી પાસે પહોંચ્યો અને કહ્યુ , ” માડી બેસી જાવ રિક્ષામાં. ક્યાં જવું છે તમારે ? “

માજીએ રીક્ષાવાળાની સામે જોઇને કહ્યુ , ” ભાઇ રીક્ષામાં બેસવું તો છે પણ તને ભાડું ચુકવવાના પૈસા નથી મારી પાસે. “

રીક્ષાવાળાએ કહ્યુ , ” માજી આવી પરિસ્થિતી છે તો પછી અહિંયા રોજ શું આવો છો ? અહીંયા એવુ તે શું છે કે તમે રોજ પહોંચી જાવ છો ? “

માજીએ સહેજ સ્મિત સાથે કહ્યુ , ” હું મારા બાપને મળવા માટે આવું છું રોજ.”

રીક્ષાવાળાએ કહ્યુ , ” તમે શું કહો છો તે કંઇ સમજાતું નથી. “

પેલી વૃધ્ધ સ્ત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યુ , ” અરે મારા ભાઇ , હું સરદાર વલ્લભભાઇ પટેલની દિકરી મણીબેન છું. “

પેલો રીક્ષાવાળો તો ભારતના એકવખતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન રહી ચુકેલા હિંદના સરદારની દિકરીની આવી દશા જોઇને ચોંકી ઉઠ્યો.

મિત્રો, થોડો વિચાર કરવાની જરુર છે કે રાષ્ટ્ર માટે નિષ્ઠા અને વફાદારીથી કામ કરતા લોકો અને એના પરિવાર પ્રત્યે રાષ્ટ્રના નાગરીક તરીકે આપણી કોઇ ફરજ ખરી ?