કોથળામાંથી બિલાડું

સુંદરનગરમાં ચતુર શેઠ રહેતા હતા. નામ પ્રમાણે જ ચતુર. તેઓ સોના-ચાંદીના ઘરેણાં પર ધીરધારનો વેપાર કરતા. એ જમાનામાં એક ગામથી બીજે ગામ ઘોડા પર બેસીને જવું પડતું. એટલે ચતુર શેઠ પણ પોતાના વેપાર-ધંધા માટે ઘોડા પર બેસીને જતા.

આ રીતે એક વાર તેઓ વેપાર કરીને પાછા ફરતાં હતાં. શિયાળાનો સમય હતો. અંધારું થઈ ગયું હતું. તબડક…તબડક… ચાલતા ઘોડા ઉપર ચતુર શેઠ આમ-તેમ ડાફોળિયા મારતા જતા હતા.

પણ અચાનક… ચાર લૂટારાઓ ચતુર શેઠને ઘેરી વળ્યા. ચતુર શેઠ પાસે સોના-ચાંદીના જેટલા ઘરેણાં હતા એ બધા તેમણે લૂંટી લીધા. એ વખતે એક બિલાડો ત્યાંથી પસાર થયો.

ચતુર શેઠે કહ્યું, ‘તમે લોકોએ મને લૂંટયો છે એનો આ બિલાડો સાક્ષી છે.’ ચતુર શેઠની આવી વાત સાંભળી ચારેય લૂટારા હસવા લાગ્યા. તેમણે ચતુર શેઠના બધા ઘરેણાં લૂંટી લીધા અને ઝડપથી ત્યાંથી ચાલવા માંડ્યાં.

બીજા દિવસે ચતુર શેઠ સુંદરનગરના સુમેળ રાજા પાસે ગયા અને ફરિયાદ કરી. સુમેળ રાજાએ ચતુર શેઠની વાત ઘ્યાનથી સાંભળી. પછી તેમણે સિપાઈઓને કહ્યું, ‘ગમે તે રીતે બે દિવસની અંદર લૂટારાઓને પકડી પાડો.’

રાજાના આદેશ પછી સિપાઈઓ ચોરને શોધવા નીકળ્યા. એક દિવસ વીત્યો પણ લૂટારા પકડાયા નહીં. છેવટે બીજા દિવસે સિપાઈઓએ ચોરને પકડી પાડ્યા અને દરબારમાં હાજર કર્યા.

રાજાએ ચતુર શેઠના ઘરેણાં વિશે પૂછપરછ કરી તો લૂંટારાઓએ ઘસીને ના પાડી. પછી રાજાએ ચતુર શેઠને કહ્યું, ‘શેઠ, આ લોકો તો ગુનો કબૂલવાની ના પાડે છે. એ વખતે નજરે જોનાર કોઈ સાક્ષી હોય તો મારી પાસે લાવો.’

ચતુર શેઠ બોલ્યા, ‘આવતીકાલે દરબારમાં હું સાક્ષી રજૂ કરીશ.’ એ દિવસે લૂટારાઓને પૂરી દીધા અને ચતુર શેઠ સાક્ષી શોધવા ગયા.
આમ, બીજા દિવસે ચતુર શેઠ દરબારમાં હાજર થયા. તેમણે ખભેથી કોથળો ઉતાર્યો અને ઊંધો કર્યો. કોથળામાંથી મ્યાઉ…મ્યાઉ… કરતું બિલાડીનું બરચું નીકળ્યું.

ચતુર શેઠે કહ્યું, ‘મહારાજ! આ લોકોએ ઘરેણાં લૂંટ્યા ત્યારે બિલાડી ત્યાંથી પસાર થઈ હતી.’ તરત જ લૂટારાઓમાંથી એક જણ બોલ્યો, ‘મહારાજ! સાવ ખોટી વાત છે. આ તો બિલાડીનું બચ્ચું છે અને એ વખતે તો મોટો બિલાડો હતો.’

રાજાએ કહ્યું, ‘તમે લોકોએ જાતે જ ગુનો કબૂલ કરી લીધો છે. હવે બીજા કોઈ સાક્ષીની જરૂર નથી.’ પછી રાજાએ હુકમ કર્યો, ‘સિપાઈઓ, આ લોકોને જેલમાં પૂરી દો અને ચતુર શેઠના ઘરેણાં તેમણે ક્યાં મૂક્યા છે એ જાણીને તેમના ઘરેણાં તેમને પાછા સોંપી દો.’

ચતુર શેઠ ખુશખુશાલ થઈને પોતાના ઘેર પાછા ફર્યા